રાજકોટ, તા. ૧૧ જાન્યુઆરી – રાજકોટમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આયોજીત “હસ્ત કલા પર્વ – એક ડગલું આત્મનિર્ભરતા તરફ”નું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ જેની મુલાકાત રાજ્યના સ્ટાર્ટઅપ સેલના સંયુકત ઉદ્યોગ કમિશ્નરશ્રી ડી.આર. પરમારે લઈને યુવા ઉદ્યમીઓને જરૂરી માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતા. સંયુકત ઉદ્યોગ કમિશ્નરશ્રી ડી.આર.પરમારે જણાવ્યું હતું કે, રાજ્યસરકારનો હેતુ નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અંતર્ગત ઉદ્યોગ કમિશ્નર કચેરી તથા ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સ્ટાર્ટ અપને ઉત્તેજન આપવાનો છે. આ સ્ટાર્ટ અપ થકી યુવાનોમાં રહેલી આવડતનો યોગ્ય ઉપયોગ કરીને તેને આર્થિક ઉપાર્જન અને સમાજ કલ્યાણની દિશામાં આગળ વધારવામાં મહત્વનો ફાળો રહેશે. દેશના વિકાસ માટે આત્મનિર્ભર થવાની બાબતમાં સ્ટાર્ટ અપ મહત્વનો ભાગ ભજવી રહ્યુ છે. આ તકે રાજકોટ એન્જી. એસોના જોઈન્ટ સેક્રેટરીશ્રી નરેન્દ્રભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત સતત આગેકુચ કરી રહ્યુ છે. ત્યારે હસ્ત કલા પર્વ અને સ્ટાર્ટ અપ જેવી બાબતોના સુભગ સમન્વયથી ઈન્ડસ્ટ્રીઝમાં વિકાસ અને વૃધ્ધિ થશે. ઓદ્યોગિક ક્ષેત્રે આત્મનિર્ભર થવાની સરકારની વાતથી નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને મહત્તમ લાભ થશે. જેના કારણે અનેક પ્રકારની રોજગારી ઉભી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અંદાજિત ૨૦ જેટલા સ્ટાર્ટ અપ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર ૮ સેકન્ડમાં સેનેટાઈઝ કરી આપતી ઓટોમેટીક સેનેટાઈઝ્ડ ટનલ, ગ્રેઈન સ્ટ્રો મેનેજમેન્ટની તકનિક વડે નોન-બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટીકનુ ડિગ્રેડેબલ પ્રોડક્ટમાં રૂપાંતરીત કરવાની પધ્ધતિ, ગુરુત્વાકર્ષણ બળની મદદથી રીન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરતા સાધનો, ઓટોમેટીક પમ્પ સ્ટાર્ટર કીટ, અંધ વ્યક્તિઓ માટે બોલતી, હેલ્થ મોનીટરીંગ કરતી તથા વ્યક્તિનું લોકેશન બતાવતી બ્લાઈન્ડ સ્ટીક સહિત બીજા અનેક સાધનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કે.વી.મોરી સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment