Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, March 9, 2022

સ્વતંત્રતા, સમાનતા અને કાયદાકીય જાગૃતતાએ મહિલા સશક્તિકરણનું પહેલું પગથિયું : જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા


 અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સંપન્ન વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓને પ્રશસ્તિપત્ર, માતા યશોદા એવોર્ડ તથા વ્હાલી દીકરી યોજના સહિતના હુકમોનું વિતરણ અમરેલી, તા. ૮ માર્ચ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલીયાની અધ્યક્ષતામાં અને અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ૮ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત અમરેલીના લીલીયા રોડ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ખાસ કાર્યક્રમ સંપન્ન થયો હતો. 

   



પ્રાસંગિક ઉદબોધન આપતા પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા, સમાનતા અને કાયદાકીય જાગૃતતાએ મહિલા સશક્તિકરણનું પહેલું પગથિયું છે. જિંદગીના રંગમંચ ઉપર દરેક તબક્કે પોતાની ભૂમિકા સફળતાપૂર્વક અદા કરનારી બહેનો આજે જ્ઞાન, વિકાસ, લોકતંત્ર અને રાજનીતિ એમ દરેક ક્ષેત્રે અગ્રેસર છે. આ મહિલા દિવસ મહિલાઓની ઉપલબ્ધીઓ અને તેમની સશક્તીકરણ ભાવનાની ઉજવણી કરવાનો અવસર છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈને મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ કુરિવાજો અને રૂઢિઓમાંથી બહાર આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 

   


જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે માતા બનીને બાળકને જન્મ આપનારી, બહેન બનીને ભાઈની સંભાળ રાખનારી, દીકરી બનીને પિતાનું નામ રોશન કરનારી, કુલવધૂ બનીને પરિવારની સંભાળ રાખનારી, પત્ની તરીકે પતિનો સહારો બનનારી એક મહિલા પોતાની જીવનકાળમાં કેટકેટલાય કિરદારો નિભાવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રમતગમત તથા કળા ક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન આપનાર મહિલાઓ પુરસ્કાર, શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કર્મીને માતા યશોદા એવોર્ડ તથા રસીકરણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર મહિલા આરોગ્યકર્મીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વરિષ્ઠ ગંગા સ્વરૂપા મહિલાઓના સન્માનની સાથે સાથે વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત દિકરી વધામણા કિટ તથા વિવિધ યોજનાના લાભાર્થીને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે મહાનુભાવોએ હોલમાં ઉભા કરવામાં આવેલા વિવિધ સ્ટોલનું નિદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વિશાલ સક્સેના, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી પ્રજ્ઞાબેન સાવલીયા સહિતના પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારી કર્મચારીશ્રીઓ અને રાજ્ય સરકારની વિવિધ મહિલા અને બાળ કલ્યાણ વિભાગની યોજનાઓના લાભાર્થી બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot