કચ્છ જિલ્લામાં ત્રીજી ડીસેમ્બર–૨૦૨૦ના જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, બિન સરકારી સંસ્થાઓ તેમજ એસ્ટ્રલ ફાઉન્ડેશન અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિવ્યાંગોને આર્થિક રીતે પગભર કરવા સાધન સહાય વિતરણ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનોથી માહિતગાર થાય તે પ્રકારના આયોજન કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા તિજોરી કચેરી અને પેટા તિજોરી કચેરીઓમાં દિવ્યાંગ પેન્શનરો અને વયોવૃદ્ધ પેન્શનરો હયાતીની ખરાઈ કે અન્ય કામે કચેરીમાં આવવાનું થાય ત્યારે મુશ્કેલીઓ અનુભવતા હોય છે. જેથી અદાણી ફાઉન્ડેશન દ્વારા તિજોરી કચેરી અને પેટા તિજોરી કચેરીઓને ૧૦ વ્હીલચેર કલેકટરશ્રી દ્વારા અર્પણ કરવામાં આવેલ હતી. આ ઉપરાંત અદાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગજનોને સંગીત સાધનોનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ડી. કે. પ્રવિણા, અધિક જિલ્લા તિજોરી અધિકારીશ્રી, અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીમતી પંક્તિબેન શાહ, અદાણી ફાઉન્ડેશનના શ્રી બારૈયા, શ્રી કરશનભાઈ ગઢવી તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.પી.રોહડિયા ઉપસ્થિત રહયા હતા.
અન્ય એક કાર્યક્રમ સરકારી અંધશાળા ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં એસ્ટ્રેલ ફાઉન્ડેશન,અમદાવાદ દ્વારા સિલાઈ કામ કરી રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે ૨૦ જેટલા દિવ્યાંગોને સિલાઈ મશીન તેમજ ૩ દિવ્યાંગને હાર્મોનિયમ આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કાનૂની સેવા મંડળના સચિવશ્રી અને સીનિયર સીવીલ જજશ્રી બી.એન.પટેલ ઉપસ્થિત રહી દિવ્યાંગોને સિલાઈ મશીન અર્પણ કરેલ હતા. એસ્ટ્રેલ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા ભુજ ખાતે આવેલ સરકારી અંધશાળાને પણ અધ્યતન અને નવી ટેકનોલોજી સાથેના સંગીત સાધનો આપવામાં આવેલ હતા.
આજ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગજનોને ટ્રાયસીકલ, સિલાઈ મશીલ તથા કાંખઘોડી વગેરે સાધનોનું વિતરણ કરવામાં આવેલ હતું. અને વિશેષ મુંદ્રા તાલુકાના દિવ્યાંગજનો માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર યોજનાકીય લાભ સારું કરવાની થતી ઓનલાઇન એપ્લિકેશન માટે પણ અદાણી ફાઉન્ડેશન દ્વારા મદદરૂપ થશે તેવી જાહેરાત આ પ્રસંગે કરેલ હતી. કાર્યક્રમમાં અન્ય મહેમાનોમાં અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીમતી પંક્તિબેન શાહ, અદાણી ફાઉન્ડેશનના શ્રી બારૈયા, શ્રી કરશનભાઈ ગઢવી તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ. પી. રોહડિયા, સરકારી અંધશાળાના હેડ માસ્તર શ્રી જે. આર. પટેલ, ચીફ ઓફીસર શ્રી એન. એસ. ચૌહાણ તથા માનસિક આરોગ્ય ગૃહના અધિક્ષક શ્રી એમ. એ. કાપડીયા ઉપસ્થિત રહી દિવ્યાંગોને પ્રોત્સાહન પૂરૂં પાડેલ હતું.
જિલ્લાના દિવ્યાંગોમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પૂરતો પ્રચાર-પ્રસાર થાય, વધુમાં વધુ દિવ્યાંગો આ યોજનાનો લાભ મેળવે અને તેઓને કોઈ મુશ્કેલીઓ હોય તો તેનું યોગ્ય નિરાકરણ કરી શકાય તે માટે કચ્છ જિલ્લાની બિન સરકારી ગ્રાન્ડેટ સંસ્થાઓનો વેબિનાર રાખવામાં આવેલ હતો. આ વેબિનારમાં નવચેતન અંધજન મંડળના મહામંત્રીશ્રી લાલજીભાઈ પ્રજાપતિ દ્વારા સ્વાગત પ્રવચનમાં દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે થઈ રહેલ વિવિધ કામગીરીનો પરીચય આપેલ હતો. સિવિલ સર્જન શ્રી કશ્યપ બૂચના પ્રતિનિધિ અને યુડીઆઈડીની કામગીરી સંભાળતા શ્રી રીતેશ મોઘા દ્વારા યુડીઆઈડી કાર્ડ મેળવવા માટે કરવી થતી કામગીરી વિશે સમજ આપેલ હતા. નવચેતન અંધજન મંડળના મંત્રીશ્રી હિમાંશુભાઈ સોમપુરા દ્વારા દિવ્યાંગોને વિવિધ લાભો પહોંચાડવા ખાસ શિક્ષકોને અનુરોધ કરેલ હતો. નવચેતન અંધજન મંડળના ચીફ કો-ઓર્ડીનેટર શ્રી દિપક પ્રસાદ દ્વારા નેશનલ ટ્રસ્ટ એક્ટ -1999 અંતર્ગત નિરામયા હેલ્થ ઈન્શુરન્સ યોજનાની વિસ્તૃત સમજ આપી વધુમાં વધુ દિવ્યાંગો આ યોજનાનો લાભ મેળવે તેના ઉપર ભાર મૂક્યો હતો. જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના ચીફ ઓફીસર શ્રી ન. શાં. ચૌહાણ દ્વારા દિવ્યાંગ કલ્યાણની યોજનાઓની અરજીઓ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે મળે તેના પર ભાર મૂકી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર કેવી રીતે અરજી કરી શકાય તથા અરજી સાથે જે દસ્તાવેજો અપલોડ કરવાના હોય તે વિશેની વિગતવાર માહિતી આપેલ હતી.
કચ્છ જિલ્લાના છેવાડાનો તાલુકો લખપત તાલુકાના દિવ્યાંગોને પણ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીમાં સહભાગી બનાવવા માટે દયાપર ખાતે પણ આં.રા.દિવ્યાગ દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં લખપત તાલુકા સંગઠન અને સેતુ અભિયાનના ગોપાલભાઈ સાટીયા દ્વારા ૧૦ જેટલા દિવ્યાંગોને યુડીઆઈડી કાર્ડનું વિતરણ કરવામાં આવેલ હતું અને સમાજ સુરક્ષા ખાતાની સરકારી સંસ્થાઓના કર્મચારીઓના આરોગ્યની ચિંતા પણ કરવામાં આવી હતી જેના ભાગરૂપે ભુજ ખાતે આવેલ કે. સી. આર. સી સંસ્થાના મેનેજરશ્રી અરવિંદસિંહ ગોહિલ દ્વારા સંસ્થા ખાતે સમાજ સુરક્ષા, ભુજ-કચ્છના તમામ સ્ટાફ માટે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણીને સફળ બનાવવા માટે સમાજ
સુરક્ષા કચેરીના સીનીયર ક્લાર્ક શ્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ અને જીલ્લા બાળ સુરક્ષા
અધિકારીશ્રી વિપુલ ડોરીયા દ્વારા ખાસ જહેમત ઉઠાવી હતી.
No comments:
Post a Comment