Breaking

Post Top Ad

Your Ad Spot

Thursday, November 25, 2021

વૃક્ષ સંપદાના સર્જક અને વર્ધક કલ્પેશ પટેલ ભાવિ પેઢીને ચોખ્ખી હવા અને હરિયાળા પર્યાવરણનો વૈભવ વારસો આપવા આદર્યો છે વૃક્ષ ઉછેર યજ્ઞ

                                       



આણંદ – ગુરૂવાર :
: જળવાયુ પરિવર્તનને (climate change) કારણે સમગ્ર વિશ્વમાં પર્યાવરણનું અસંતુલન ઊભું થયું છે. જેને પરિણામે અનેક સમસ્યાઓ ઉભી થઈ છે. દુનિયા સામે આ વિકટ પડકાર ઊભો થયો છે એનો એક માત્ર ઉકેલ મહત્તમ વૃક્ષોનું વાવેતર જતન અને સંવર્ધન છે.

        આણંદના માર્ગો પર સવારે તમે મોર્નિંગ વોકમાં નીકળ્યા હોય અને તમે સાયકલ પર ખાડા ખોદવા માટેનો પાવડો, ત્રિકમ, લોખંડની હાથલારીમાં વૃક્ષોના રોપા અને પાણીનું ટેન્કર સાથે કોઈ વ્યક્તિ જોવા મળે તો તમે ચોક્કસ આર્શ્ચયચકિત થઈ જશો કે સવાર સવારમાં આ ભાઈ કેમ આ બધી સામગ્રી લઈને નીકળી પડ્યા હશે.

        આજે વાત કરવી છે એવા કર્મયોગી અને પર્યાવરણ પ્રેમી શિક્ષકની કે જેને ભાવિ પેઢીને વારસામાં શુદ્ધ હવા મળે તે માટે દરરોજ સવાર - સાંજ આણંદના માર્ગો પર વૃક્ષો વાવવાનો મહાયજ્ઞ આદર્યો છે.

મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વતની અને આણંદ તાલુકાના અડાસ તાબે વસંતપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કર્મયોગી એવા શ્રી કલ્પેશભાઈ પટેલને નાનપણથીજ વૃક્ષો પ્રત્યે ખૂબ જ લગાવ હતો. ઉકરડામાં કે અન્ય જગ્યાએ ઉગેલા આંબા, જાંબુ ખેતરમાં લઈ જઈને વાવતો હતો. આમ નાનપણથી જ વૃક્ષો મારા મિત્રો હતા તેમ તેઓ જણાવે છે. તેમના આ કાર્યમાં યોગેશભાઈ પટેલ ખભેખભો મિલાવી સહયોગ કરી રહ્યા છે.


વર્ષ ૨૦૦૮માં આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની વાસણા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા બાદ બાળકોને જુદા જુદા વિષયો ભણાવતો હતો તેમાં સામાજિક વિજ્ઞાનમાં વૃક્ષોનું મહત્વ વિષય વારંવાર ભણાવવામાં આવતું હતું. તેમાં હું બાળકોને વૃક્ષોની ઉપયોગીતા શીખવતો હતો. મને થયું કે હું વૃક્ષો વિશે શીખવું છું કે વધુ ને વધુ વૃક્ષો વાવો અને ઉછેરો તેનું જતન કરો પણ હું પોતે વૃક્ષો વાવવાનું તેનું જતન કરવાનું કાર્ય કરતો નથી. મારી એક ટેવ છે કે હું જે શીખવું તે મારામાં હોવું જોઈએ.

આથી મેં ધીમે-ધીમે શાળામાં વૃક્ષારોપણ કાર્યની શરૂઆત કરી અને દર વર્ષે શાળાના લેટરપેડ પર વન વિભાગની નર્સરીમાંથી રોપા લઈ આવતો અને શાળા પરિવાર સાથે શાળામાં વૃક્ષો વાવીને તેનું જતન કરવા લાગ્યો. બાળકોને પણ વૃક્ષો વાવવાના કામમાં જોતરી ધીમે ધીમે આ પ્રવૃત્તિમાં મને રસ પડ્યો.


દર વર્ષે વન વિભાગની નર્સરીમાંથી રોપા લાવીને શાળામાં ઉછેરવાનું કાર્ય આરંભ કરી ગોવિંદપુરા ગામમાં વૃક્ષોનું વાવેતર કર્યું. આણંદમાં હું રહું છું તે સોસાયટીમાં વૃક્ષોનું વાવેતર કરી તેમને ઉછેર્યા એટલું જ નહીં વર્ષ ૨૦૧૯માં વન ચેતના નર્સરી ગાંધીનગર ખાતેથી આશરે ૫૦૦ જેટલા રોપા લઈને ગોવિંદપુરા ગામમાં રોપણ કર્યું.

વર્ષ ૨૦૧૯માં આણંદમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ૫૦૦ જેટલા વૃક્ષો વાવ્યા. વર્ષ ૨૦૧૯થી વૃક્ષ ગંગા અભિયાન, દિયા ટીમ, યુવા ગાયત્રી પરિવાર આણંદ સાથે જોડાઈને દર રવિવારે અને રજાના દિવસે તથા સવાર સાંજ સમય મળે એટલે હું વૃક્ષારોપણનું કાર્ય કરૂં છું.

હું કોઈના જન્મદિવસ, પુણ્યતિથિ કે અન્ય સામાજિક પ્રસંગોએ વૃક્ષો વાવવા અંગે લોકોને પ્રેરિત કરવા સાથે તેનું જતન કરવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડુ છું. એટલુ જ નહિ રોપા મેળવી જાતે ખાડા ખોદી વૃક્ષો વાવી આપુ છું. વૃક્ષારોપણ માટે મિત્ર મંડળ, સગા-સંબંધીઓને જાગૃત કરી ખાસ દિવસો માટે વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરૂં છું એટલું જ નહીં શિક્ષણકાર્ય દરમિયાન બાળકોને વૃક્ષોની ઉપયોગીતા સમજાવી અને દર વર્ષે એક બે વૃક્ષ ઉછેરવાની જવાબદારી પણ સોપુ છું.

હું સવારે દરરોજ બે કલાક વૃક્ષારોપણને લગતું કાર્ય કરવા સાથે સોશિયલ મીડિયા, વન વિભાગના અધિકારીઓ અને અન્ય લોકો પાસેથી વૃક્ષારોપણની માહિતી મેળવી લોકો મહત્તમ વૃક્ષોનું વાવેતર કરે તે માટે પ્રોત્સાહિત કરૂં છું. પર્યાવરણ બચાવવા અને તેના જતન માટે વ્યવસાયે શિક્ષક એવા શ્રી કલ્પેશભાઈ પટેલે આદરેલા ભગીરથ કાર્યને સો સો સલામ છે..   સંપર્ક  : કલ્પેશભાઈ પટેલ 9586010740

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot